જો તમારી પાસે કાર છે તો કાર્ડ નહીંઃ રેશનકાર્ડ થી અનાજનો ખોટો લાભ લેતા લોકોના રેશન કાર્ડ રદ કરાશે
રિપોર્ટ અનુસાર રાજ્યમાં 69 લાખ પરિવારના 3.36 કરોડ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ નોંધાયેલા છે. આ તમામ લોકો રાહતના ભાવે સરકાર દ્વારા આવતું અનાજ મેળવે છે પરંતુ આમાં કેટલાક એવા પણ લોકો છે કે, જેમને ખરેખર આ અનાજની જરૂર નથી. જે લોકોને આ અનાજની જરૂર નથી છતા પણ દર મહિને અનાજનો જથ્થો મેળવે છે તેવા લોકોના નામ રેશનકાર્ડમાંથી કમી કરવાની તજવીજ તંત્ર દ્વારા કરવામાં આવશે. આ બાબતે પુરવઠા નિગમના અધિકારીના કહેવા અનુસાર RTO પાસેથી કાર ધરાવતા લોકોનું એક લિસ્ટ માંગવામાં આવ્યું છે. આ લિસ્ટ મળ્યા પછી આધારકાર્ડના નામની સાથે રેશનકાર્ડ અને RTOની વિગતને સરખાવીને કાર હોવા છતા પણ રેશનકાર્ડનો જથ્થો મેળવતા લોકોના નામ હટાવવાની તજવીજ હાથ ધરવામાં આવશે.
મહત્ત્વની વાત છે કે અમદાવાદમાંથી પુરવઠા વિભાગ દ્વારા બે મહિનાના સમયમાં 1000 જેટલા લોકોના નામ રેશનકાર્ડમાંથી કમી કરવામાં આવ્યા છે. કાર ધારવતા લોકોની સાથે-સાથે એક વર્ષથી અનાજ નહીં લેનારા લોકોના નામ પણ રેશનકાર્ડમાંથી હટાવી દેવામાં આવ્યા છે. આગામી દિવસોમાં આ કામગીરીને વેગ આપવા માટે ડોર-ટૂ-ડોર સર્વે કરવાની પણ કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવશે. ગુજરાતમાં વર્ષ 2013થી આ બાબતનો અમલ શરૂ થઈ ગયો છે. જેમાં શહેરી વિસ્તારમાં રહેતા પાકા મકાન અને કાર ધરાવનારાઓના નામ દૂર કરવામાં આવ્યા હતા. પુરવઠા વિભાગ દ્વારા જરૂર ન હોય છતા પણ અનાજ લેતા લોકોના નામ દૂર કરવા માટે RTOની સાથે જ્ન્મ અને મરણની વિભાગની સાથે પણ કામગીરી કરવામાં આવી રહી છે.

No comments: